ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રામકૃષ્ણ પરમહંસ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. બંગાળના એ નામના એક સંત પુરુષ. તેનો જન્મ સને ૧૮૩૬ની ૧૮મી ફેબ્રુઅરિને દિવસે હુગલી જિલ્લાના કામારપૂકુર નામના ગામમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણને ઘેર થયો હતો. નાનપણથી જ તેમણે પોતાના કુલદેવ શ્રીરામચંદ્રની પૂજાનો આરંભ કર્યો હતો. પૂજામાં તેમનું મન એટલું બધું લીન રહેતું કે વાંચવાલખવા ઉપર તેમનું મન ચોંટ્યું જ નહિ. પછી તેમના મોટાભાઇ જે કલકત્તાની રાણીરાસમણિના દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં પૂજારી તરીકે હતા ત્યાં રામકૃષ્ણ આવ્યાં અને તેણે ત્યાં પૂજા કરવાનું શરૂ કર્યું. તેઓ પૂજામાં એટલા લીન થઈ જતા કે દેહનું ભાન પણ ભૂલી જતા અને પૂજાનો યોગ્ય વિધિ પણ જાળવી ન શકાતો. આ બધો સમય રામકૃષ્ણ માતા કાલીને ઘણા કરુણ ભાવથી દર્શન દેવાને માટે વીનવતા. એક સમય તીવ્ર વ્યાકુળતાપૂર્વક માતાની તે સ્તુતિ કરતા હતા. તેવામાં અચાનક તેમની દૃષ્ટિ મંદિરમાં રાખેલી એક તરવાર ઉપર પડી. તેમણે તરત તે લઇને પોતાનું માથું માતાના ચરણમાં રાખી તે મારવાની તૈયારીમાં હતા તેવામાં માતાજીએ તરત તેમને દર્શન દીધું. ત્યાર બાદ તેમનો ઉન્માદ દિનપ્રતિદિન વધતો ચાલ્યો. એટલે તેનાં સગાંઓએ તેને જકડવાને માટે શારદામણિ નામની એક પવિત્ર કન્યા સાથે તેમનું લગ્ન કર્યું; પરંતુ રામકૃષ્ણ માતાને ભક્ત હતા અને સ્ત્રી માત્રને માતા રૂપે દેખતા હતા. એટલે શારદામણિ સાથે પણ એ ભાવ રાખ્યો. શારદામણિદેવીએ પણ પતિની ઇચ્છાને વશ રહી તેમના માર્ગ ઉપર ચાલી સારી ગતિ પ્રાપ્ત કરી. રામકૃષ્ણે મુસલમાન, ખ્રિસ્તી વગેરે બધા ધર્મની સાધના કરી હતી અને અનુભવની દૃષ્ટિએ બધા ધર્મ તેમને સરખા લાગ્યા હતા. ક્રમે ક્રમે તેમની ખ્યાતિ ઘણી વધી અને તેમને અનેક શિષ્યો થયા. તેમાં સ્વામી વિવેકાનંદ એ મુખ્ય છે અને તેમણે દેશવિદેશમાં પરમહંસ રામકૃષ્ણનો સંદેશો પહોંચાડ્યો. આજ પણ દેશવિદેશમાં રામકૃષ્ણ પરમહંસના નામ પર અનેક સંસ્થાઓ ચાલે છે. તેનો ઉદ્દેશ દરેક પ્રકારે લોક કલ્યાણ કરવાનો છે. રામકૃષ્ણ પરમહંસ ઇ. સ. ૧૮૮૬ની ૧૫મી ઓંગસ્ટે કલકત્તામાં મા કાલીના નામનો જપ કરતા કરતા મહાસમાધિમાં લીન થઈ ગયા.